પશ્ચિમ બંગાળના કોલકત્તા એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં મધમાખીઓના એક ઝુંડે વિમાન પર હુમલો કરી દીધો હતો.
વિસ્ટારાની ફ્લાઈટ દિલ્હી જવા ઉડાણ ભરવાની તૈયારીમાં હતી તે દરમિયાન મધમાખીઓના ટોળાએ વિમાનની બારી પર હુમલો કરી દીધો. આ ઘટના સોમવારે સાંજે બની હતી જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.
કોલકાતા એરપોર્ટના 25 નંબરના બે પર આ ઘટના બન્યા બાદ ફાયરબ્રિગેડ વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું અને વોટરકેનનનો મારો ચલાવીને મધમાખીઓને પ્લેનથી હટાવી હતી. મધમાખીઓ આ પ્રકારના હુમલો ફરી ન કરે તે માટે જંતુનાશકનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ મુસાફરને કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નહતી. એક એરપોર્ટ અધિકારીના જણાવ્યા મુજબ, શિયાળાના સમયમાં મધમાખીઓની આ સમસ્યામાં ઊભી થતી હોય છે કારણે કે તેઓ લાંબા સમયથી પાર્ક કરવામાં આવેલા પ્લેન પર જઈને બેસી જાય છે. ક્યારેક તો એરક્રાફ્ટની અંદર પણ મધમાખીઓ ઘૂસી જતી હોય છે.