દુનિયાભરમાં કોરોના કેસના મામલાઓમાં ફરી એકવાર તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ રાહતના સમાચાર પણ એ છે કે, ઘણી કંપનીઓએ કોરોના વેક્સીન બનાવવાનો દાવો કર્યો છે. આ સંદર્ભમાં દુનિયાની દિગ્ગજ દવા બનાવતી કંપનીઓ સ્પૂતનિક અને ફાઈઝર બાદ વધુ એક કંપનીએ કોરોનાથી બચવા માટે કારગર દવા બનાવવામાં સફળતા મેળવી છે.
અમેરિકન કંપની મોડર્નાએ કહ્યું કે, કોરોનાથી બચવા માટે તેમની વેક્સીન પોતાની ટ્રાયલમાં 94 ટકા પ્રભાવી રહી છે. અમેરિકન કંપની મોડર્ના હવે ઈમરજન્સી લાઈસન્સ માટે અમેરિકા, યુરોપ અને યુકેના સરકારી માપદંડ પાસે પોતાની રસીના અંતિમ ટ્રાયલના પરિણામોનું રિપોર્ટ મોકવાના અંતિમ તબક્કામાં છે.
કંપનીએ કહ્યું કે, તેઓને આશા છે કે, અમેરિકન ખાદ્ય અને ઔષધ વિભાગ 17 ડિસમ્બરે પોતાની બેઠકમાં તેમની વેક્સીનના ઉપયોગ માટે મંજૂરી આપી શકે છે. વેક્સિન બનાવનાર કંપનીના જણાવ્યા મુજબ, તેમની વેક્સીન અંતિમ તબક્કામાં 94.5 ટકા પ્રભાવી રહી છે. મહત્વનું છે કે અમેરિકા સહિત ભારત, બ્રિટેન જેવા દેશોમાં પણ હાલ કોરોનાની વેક્સિન બનાવવાને લઈ કામ ઝડપી કરી દેવામાં આવ્યુ છે. ભારતમાં હાલ ત્રણ કંપનીઓ દ્વારા વેક્સિન બનાવવામાં આવી રહી છે.