રાજ્યમાં વધુ એક હોસ્પિટલમાં આગ લાગવાની ચકચારી ઘટના સામે આવી છે. રાજકોટમાં આ ગોઝારી ઘટના બની છે. જ્યાં શહેરના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકો જીવતા ભૂંજાયા છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે જેને સારવાર અર્થે ખસેડાયો છે.
આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી સાથે જ મનપા અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગની દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જેમાંથી 3 દર્દીઓ તો બેડ પર જ જીવતા ભૂંજાયા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અન્ય 26 દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા છે.
બીજીબાજુ આ ઘટના સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી સહિત વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યુ હતુ અને મૃતકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. જ્યારે આ ઘટના સંદર્ભે મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, હોસ્પિટલ પાસે ફાયર એનઓસી હતુ એટલે સેફ્ટીના સાધનોનો અભાવે દૂર્ઘટના થઈ હોય તેવુ નથી લાગતુ. યોગ્ય તપાસ બાદ ચોક્કસ દોષિતો સામે પગલા લેવાશે. તપાસ રિપોર્ટને આધારે કાર્યવાહી કરવામાં આવશે.