ભારતીય સોશિયલ મીડિયા એપ્લિકેશન શેરચેટ ખરીદવા માટે ગૂગલે તૈયારી દાખવી છે. ગૂગલ આ એપ માટે 1.03 અબજ ડૉલર ચૂકવવા તૈયાર થયું છે. હાલ ખરીદ-વેચાણની વાટાઘાટો ચાલે છે. પરંતુ આગામી દિવસોમાં ડિલ ફાઈનલ થાય એવી શક્યતા છે. જાન્યુઆરી 2015માં લૉન્ચ થયેલા શેરચેટના 16 કરોડ જેટલા મન્થલી એક્ટિવ યુઝર્સ છે.
મહત્વનું છે કે, ભારતની મોહલ્લા ટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ આ એપલિકેશન તૈયાર કરી છે. આ કંપની અંકુશ સચદેવા, ભાનુ પ્રતાપ સિંહ અને ફરીદ અહેસાને મળીને સ્થાપી હતી. શેરચેટ વીડિયો, જોક્સ, ગીત અને અન્ય સામગ્રી શેર કરવાની સુવિધા આપે છે.
ત્યારે ગૂગલ ભારતીય ભાષાઓમાં વિસ્તરણ કરવા માંગે છે તેવામાં ગૂગલ આવી સ્વદેશી અને સફળ એપ્લિકેશનમાં રોકાણ કરે એમાં કોઈ નવાઈ નથી. શેરચેટ ગુજરાતી સહિત 15 ભાષામાં ઉપલબ્ધ છે. એટલે અંગ્રેજી ન જાણતા વર્ગમાં એ લોકપ્રિય પણ છે. બેંગાલુરૂ સ્થિત હેડક્વાર્ટરથી શેરચેટનું સંચાલન થાય છે અને તેમાં લગભગ 400 કર્મચારીઓ છે. આ એપ્લિકેશન પ્લેસ્ટોર અને એપ સ્ટોર બન્નેમાં ઉપલબ્ધ છે.