દેશમાં કોરોના વાયરસના કેસ વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી સૌથી વધુ સંક્રમિત એવા 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ રાજ્યોમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ સામેલ રહ્યા હતા.
આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા-સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી પ્રધાનમંત્રીને આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાના આ વધેલા કેસોને ધ્યાને લઇને રાજ્ય સરકારે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં કોઇ જ સંક્રમિત વ્યકિતને સારવાર માટે બેડના અભાવે વંચિત રહેવું ન પડે તે હેતુસર સંપૂર્ણ વ્યવસ્થાઓ સરકારે કરી છે. ઉલ્લેખનીય છે કે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરે આ બેઠકમાં હાજર રહ્યા નહતા. બેઠકમાં રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે જણાવ્યું કે હવે રાજ્યમાં 100 ટકા RT-PCR ટેસ્ટ થઈ રહ્યા છે. કોરોનાના તમામ નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે. મીટિંગમાં પીએમ મોદીએ હરિયાણાના સીએમને કહ્યું કે અમને નંબર નહીં કોરોનાની વિરુદ્ધ રાજ્ય સરકારે ઉઠાવેલા પગલા અંગે જાણકારી આપો.