ગુજરાતમાં હાલ કોરોનાની લહેર જોવા મળી રહી છે. જેને લઇને 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં કોરોનાની સારવાર મામલે તંત્રની કાર્યવાહી સામે ફરી સવાલ ઉઠ્યાં છે. દેશમાં રિકવરી રેટમાં ગુજરાતનું સ્થાન ટોપ-20માં પણ નથી. ગુજરાતમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા હવે વધીને ૧.૮૦ લાખને પાર થઇ ગઇ છે જ્યારે સાજા થવાનો દર ૯૧.૨૦% છે.
સૌથી વધુ રીક્વરી રેટ ધરાવતા દેશના ટોચના ૨૦ રાજ્યોમાં પણ ગુજરાતનો સમાવેશ થતો નથી. ગુજરાત કોરોનાના રીક્વરી રેટમાં સમગ્ર દેશમાં ૨૩માં સ્થાને છે. બીજી તરફ આસામ સૌથી વધુ ૯૮.૧૦%નો રીક્વરી રેટ ધરાવે છે. આસામમાં કોરોનાના ૨.૧૧ લાખ કેસ સામે ૨.૦૭ લાખ દર્દીઓ સાજા થયા છે. સૌથી વધુ દર્દીઓ સાજા થવાનને મામલે દાદરા નગર હવેલી ૯૭.૮૦% સાથે બીજા, આંધ્ર પ્રદેશ ૯૭.૬૦% સાથે ત્રીજા, બિહાર ૯૭.૩૦% સાથે ચોથા અને ઓડિશા ૯૭.૨૦% સાથે પાંચમાં સ્થાને છે.
ગુજરાતમાં જો સૌથી વધુ રિકવરી રટેની વાત કરીએ તો નવસારી સૌથી આગળ છે. નવસારીમાં રિકવરી રેટ 98.40 છે, જ્યારે વલસાડમાં પણ રિકવરી રેટ 98 ટકા નોંધાયો છે. રાજ્યના અન્ય શહેરોમાં ભાવનગર, પોરબંદર અને ડાંગમાં 96.70 ટકા રિકવરી રેટ જોવા મળ્યો છે. જ્યારે રાજ્યમાં પાટણ અને અમરેલીમાં સૌથી નીચો રિકવરી રેટ નોંધાયો છે.