ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે તો ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ચિંતા વધી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાજોગ સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, 2 દિવસના કરફ્યુમાં લોકોએ પૂરતો સાથ સહકાર આપ્યો છે. સરકારને પણ ન છૂટકે કરફ્યુની અમલવારી કરાવવી પડી છે. તહેવારોના દિવસો પછી ગુજરાત સહિત સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં પણ કોરોનાના કેસ વધ્યા છે. તેવા સમયે તાત્કાલિક સરકારને નિર્ણય કરવા પડે. તેના ભાગરૂપે સરકારે કરફ્યુનો નિર્ણય કરવો પડ્યો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આવતીકાલથી રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ થાય છે. ગઇકાલ રાત્રિથી 3 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ થયો. આવતીકાલથી ચારેય શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ શરૂ થવાનો છે. તો લોકોને અપીલ કરું છું કે, ચાની લારી, રેસ્ટોરાં વગેરે જગ્યાઓ પર ભીડ થતી હોય છે. જેના કારણે કોરોનાના સંક્રમણની શક્યતાઓ વધે છે. સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોનાના સંક્રમણના નિયંત્રણની કામગીરી અને સારવાર તેમજ આરોગ્યલક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો સાથે બેઠક યોજી હતી.