કેન્દ્ર સરકારે દેશના ડોક્ટરો સંબંધિત એક મોટો નિર્ણય લીધો છે. જેનાથી મેડિકલ સાથે જોડાયેલા લોકો પણ આશ્ચર્યચકિત છે. આ નિર્ણય અનુસાર હવે આયુર્વેદના ડોક્ટરો પણ સર્જરી કરી શકશે. સરકારે એક નોટિફિકેશન દ્વારા આયુર્વેદના પીજી વિદ્યાર્થીઓને સર્જરી કરવાની મંજૂરી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે આયુર્વેદ ડૉક્ટરને સર્જરી માટે લીલી ઝંડી આપી દીધી છે. હવેથી PGના વિદ્યાર્થીઓને પણ જુદી જુદી સર્જરી માટે તાલીમ આપવામાં આવશે જેમાં આયુર્વેદ ડૉક્ટર જનરલ અને ઓર્થોપેડિક સર્જરી કરી શકશે. સરકારે જે મંજૂરી આપી છે તે અનુસાર આંખ, કાન અને ગળાની સર્જરી કરવા માટે પણ હવે આયુર્વેદના તબીબો આગળ આવી શકશે.
આયુર્વેદના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સર્જરી શિખવવામાં આવતી હતી પણ અત્યાર સુધી આયુર્વેદ ડૉક્ટર સર્જરી કરી શકે કે નહી તે અંગે સ્પષ્ટતા ન હતી. જોકે હવે આયુર્વેદ વિદ્યાર્થીઓને PGમાં આંખ, નાક, કાન ગળું અને જનરલ સર્જરીની તાલીમ અપાશે. નોંધનીય છે કે લાંબા સમયથી આયુર્વેદના તબીબોની માંગ હતી કે તેમને પણ સર્જરી કરવાની ખુલી છૂટ આપવામાં આવે. ત્યારે આખરે સરકારે આ અંગે મોટો નિર્ણય લઈને આયુર્વેદના ડોક્ટરોને સર્જરીની મંજૂરી આપી છે.