ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા બે-ત્રણ દિવસથી વધતો જોવા મળી રહ્યો છે. જેના કારણે વહિવટી તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. સાથે જ પોલીસ વિભાગ પણ કોવિડ 19ના નિયમોનું પાલન ન કરતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરી દંડનાત્મક સજા ફટાકરવામાં લાગ્યુ છે.
ગુજરાતમાં કોરોનાથી બચવા માસ્ક ફરજિયાત છે એટલું જ નહીં પણ જો માસ્ક ન પહેરો તો રૂ. 1000નો દંડ વસૂલવામાં આવે છે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા માસ્ક ન પહેરવા બદલ વસૂલાતા દંડની આવક વધી ગઈ છે. અમદાવાદમાં વીકેન્ડ કર્ફ્યૂ અને સુરત, વડોદરા, રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ અમલમાં છે.
શનિવારે રાજ્યમાં આજ સુધીના સૌથી વધારે કેસ 1515 નોંધાયા છે. કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરીમાં આજ સુધી દંડ પેટે રૂપિયા 78 કરોડ વસુલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા 58 દિવસમાં 26 કરોડની આવક દંડ પેટે થઇ છે. જેમાં અંદાજે કુલ 26 લાખ વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાયો છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક વર્ષમાં થયેલી કુલ આવક કરતાં પણ માસ્ક વિના ફરતા લોકોને દંડ કરી સરકારને વધારે આવક થઇ છે. 31 ઓક્ટોબર 2018ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 2019ની 31 ઓક્ટોબર સુધી રૂપિયા 63.50 કરોડ જેટલી આવક થઇ હતી.