ગત રોજ જમ્મુ કાશ્મીરના નગરોટામાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર કરી મોટા આતંકી હુમલાનુ કાવતરુ નિષ્ફળ બનાવ્યું હતું. ત્યારે આ અથડામણ મુદ્દે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં હાઈલેવલ મિટિંગ પણ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ, અજીત ડોવાલ, વિદેશ સચિવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે. આ આતંકીઓ ભારતમાં 26/11 જેવી બીજી કોઇ ઘટનાનું ષડયંત્ર રચી રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ સુરક્ષાદળોની આ કાર્યવાહીને લઈ નિવેદન આપતા જણાવ્યું કે, આપણા સુરક્ષાદળોએ ફરી એકવાર ખૂબ જ બહાદુરી બતાવી છે. તેમની સતર્કતાના કારણે જમ્મુ-કાશ્મીરમાં જમીની સ્તરે લોકતાંત્રિક પ્રયાસોને ખતમ કરવાના એક નાપાક ઈરાદાને નિષ્ફળ બનાવાયો છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલ 4 આતંકીઓનું એનકાઉન્ટર અને તેમની પાસેથી મળેલા મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક સામગ્રી એ સંકેત આપે છે કે એક મોટા આતંકી હુમલાના કાવતરાને સેનાએ નિષ્ફળ બનાવી દીધો છે. આપને જણાવી દઈએ કે ગુરુવારે વહેલી સવારે બાતમીના ઇનપુટ બાદ જમ્મુ કાશ્મીર પોલીસે નગરોટા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી હતી અને દરેક સ્થળે વાહનોની જોરદાર ચેકીંગ કરવામાં આવી હતી. આ દરમિયાન હાઇવે પર કાશ્મીર તરફ જઇ રહેલી એક ટ્રકને રોકવામાં આવી હતી. જોકે આ દરમિયાન ટ્રકમાં છુપાયેલા આતંકીઓએ ફાયરીંગ શરુ કરી દીધુ હતુ. જેના વળતા જવાબમાં સુરક્ષાદળોની ટીમે ચારેય આતંકીઓને ઠાર કરી દીધા હતા.