દિવાળીના તહેવારો દરમિયાન કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે, ત્યારે વેપારી સંગઠનોની માગ છે કે વધતાં સંક્રમણને રોકવા માટે રાત્રે ૧૧થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવે. વધતાં સંક્રમણને જોતાં એસોસિએશન, મહાજનો તથા ચેમ્બરના હોદ્દેદારોની વર્ચ્યુઅલ બેઠક મળી હતી.
જેમાં કેટલાક નિયંત્રણો અંગે ચર્ચા કરાઇ હતી. બેઠકમાં સ્વૈચ્છિક લોકડાઉન સાથે માર્કેટ, ઉદ્યોગોના સ્થળ નજીક ટેસ્ટીંગ સુવિધા કરાય, 50% સ્ટાફથી કામ કરવા, વેપાર ધંધાના સમયમાં ફેરફાર સહિત અનેક સૂચનો કરાયા હતા. જે અંગે સંગઠનો, મહામંડળોએ ગુજરાત ચેમ્બરની બેઠકમાં તૈયારી બતાવી હતી.
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખે વેપારીઓને સમજાવ્યા છે કે, હાલ કોરોનાની સ્થિતિને જોતાં સ્વેચ્છિક લોકડાઉન પાળવામાં આવે. દિવાળીના તહેવારોમાં ઘરાકી થઈ ગઈ છે, તો હવે દરેક પોતાની રીતે વેપાર-ધંધો વહેલો બંધ કરશે તો કોઈ મોટું નુકશાન થાય એમ નથી. મહત્વનું છે કે આ દિલ્હીમાં પણ કોરોનાના સંક્રમણને જોતા દિલ્હી સરકારે ભીડને કારણે વકરેલી પરિસ્થિતિને લીધે બજારોમાં લોકડાઉન લાદવા કેન્દ્ર પાસે મંજૂરી માગી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેને નકારી કાઢી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર કોઈ આકરાં પગલાં લેવા વિચારે એ પૂર્વે વેપારીઓ સરકારને સહયોગ આપવા આગળ આવે તેવું ફેડરેશનનું માનવું છે.