ગૌરક્ષા માટે મધ્યપ્રદેશની શિવરાજ સરકારે મોટો નિર્ણય કર્યો છે. શિવરાજ સરકારે ગાયોની દેખરેખ માટે ગૌ કેબિનેટની રચનાની જાહેરાત કરી છે. જે રાજ્યમાં ગૌ સંરક્ષણની દિશામાં કામ કરશે. ગોપાષ્ટમીના દિવસે ગૌ કેબિનેટની પ્રથમ બેઠક મળશે. આ અંગેની જાહેરાત શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી છે. ગૌ કેબિનેટની પ્રથમ બેઠકમાં એમપી સરકાર કેટલાક મહત્વના નિર્ણય લઈ શકે છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ કેબિનેટ હેઠળ 6 વિભાગોને સામેલ કરવામાં આવશે. જેમાં પશુપાલન, વન, પંચાયત અથવા ગ્રામીણ વિકાસ, ગૃહ, કિસાન કલ્યાણ વિભાગ સામેલ થશે.
મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે, ગૌ કેબિનેટની પ્રથમ બેઠક ગોપાષ્ટમીના દિવસે એટલે કે 22 નવેમ્બરે 12 વાગ્યે ગૌ અભ્યારણ્ય સાલરિયા આગર માલવામાં યોજાશે. ગૌ કેબિનેટમાં 6 વિભાગ સામેલ કરવામાં આવ્યા છે. જે ગૌ સંરક્ષણને લઈને તમામ વિભાગ સામૂહિક રીતે નિર્ણય લેશે. પશુપાલન વિભાગ જ ગાયોના પ્રજનન અને ગૌશાળાની દેખરેખ કરે છે. આ સાથે જ વન વિભાગ પણ ગાયોના સંરક્ષણનું કામ કરશે. તેમજ ગૃહ વિભાગ ગૌરક્ષાનું કામ કરશે.