અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી ચૂક્યા છે. શિયાળામાં કોરોના કેસો વધશે તેવી અગાઉ જ આગાહી તબીબો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હાલ શિયાળો હજુ બરોબર જામ્યો નથી, છતાય કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાએ ડોક્ટરો તેમજ તંત્રની ચિંતા વધારી છે.
છેલ્લા કેટલાક સમયથી સુરતમાં એક દિવસમાં સૌથી વધુ કેસો નોંધાતા હતા, જેમાં ટોપ સ્થાન ફરી એકવાર અમદાવાદે લીધું છે. ગઈકાલે સરકારી આંકડા મુજબ સુરતને પાછળ છોડી અમદાવાદમાં સૌથી વધુ 207 પોઝીટીવ કોરોનાના દર્દીઓ નોંધાયા હતા.
હાલ ઉભી થયેલી સ્થિતિ મુજબ અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી નામાંકિત હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે બેડ મળવા પણ મુશ્કેલ બની ચૂક્યા છે. શહેરની નામાંકિત ખાનગી સહિત સરકારી હોસ્પિટલમાં ICU બેડ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાઈ ચૂક્યા છે. ડોક્ટરોના મત મુજબ, હાલ ફરી એકવાર વધી રહેલા કોરોનાના કેસો એપ્રિલ-મે મહિનામાં અમદાવાદમાં થયેલા કોરોના વિસ્ફોટ તરફ ઈશારો કરી રહ્યા છે.