કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં શિક્ષણકાર્ય હજી ઓનલાઈન ચલાવવામાં આવી રહ્યુ છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ શરુ કરવાને લઈ ચર્ચા વિચારણા ચાલી રહી હતી. ત્યારે આખરે રાજ્યમાં શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ થશે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની જાહેરાત કરી છે.
આ માટે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી SOPનું સ્કૂલ-કોલેજો તરફથી ફરજિયાત પાલન કરવાનું રહેશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં.
આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણકાર્ય પણ ચાલુ જ રહેશે. મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજો ખોલવાનો કેબિનેટ મીટિંગ બાદ નિર્ણય કર્યો છે. આગામી 23 નવેમ્બરથી ધો 9 થી 12 અને કોલેજોને શરૂ કરાશે. જ્યારે ધોરણ 1થી 8ના વર્ગો શરુ કરવા અંગેનો નિર્ણય આગામી દિવસોમાં કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા એ પણ જણાવાયુ છે કે, તમામ ઉંમરના શિક્ષકોએ ફરજિયાત સ્કૂલમાં આવવાનુ રહેશે.