નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. જ્યારે કે ગત વર્ષે આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 18-19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. ત્યારે નવેમ્બર મહિનામાં જ આ વર્ષે તાપમાન 14 ડિગ્રીથી વધુએ પહોંચી ગયું છે.
ગુજરાતમાં ઉત્તર પૂર્વીય દિશા તરફથી ઠંડા અને સુકા પવન ફુંકાઈ રહ્યા છે. જેના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓના લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન ખાતાના અપડેટ મુજબ, અમદાવાદ સહિત જુદા જુદા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 14 થી 17 ડિગ્રી સુધી જઈ પહોંચ્યું છે.
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન વલસાડમાં 14 ડિગ્રી નોંધાયું છે. તો નલિયામાં 14.7 અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે..હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વર્ષે લા નીનાની સ્થિતિને કારણે કડાકાની ઠંડી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. ઉત્તર ભારતના લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે ઠંડી પડી રહી છે. અહીંનું તાપમાન ઝડપથી નીચે જઈ રહ્યુ છે જેની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં વર્તાશે.