મતગણતરીના ચાર કલાક પૂરા થઈ ગયા છે, ત્યારે પેટાચૂંટણીના પરિણામનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અબાડાસા, ધારી, ડાંગ, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા જેવી સાત બેઠકો પર ભાજપ સારી એવી લીડથી આગળ નીકળી ગયું છે. માત્ર એક મોરબી બેઠક પર રસાકસીભર્યો માહોલ છે.
જેમાં પણ ભાજપના બ્રિજેશ મેરજા 17 રાઉન્ડના અંતે આગળ આવી ગયા છે. ભાજપ માટે આ પેટાચૂંટણીઓ એ વટનો સવાલ હતો. પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર આ ચૂંટણીઓ યોજાઈ રહી હોવાથી પાટીલના દબદબાનો સવાલ હોવાની સાથે પાટીલ માટે પણ આ અગ્નિપરીક્ષા છે..
સીઆર પાટીલ ભાજપના પ્રમુખ બન્યા બાદની આ તેઓની પ્રથમ ચૂંટણી છે. ત્યારે તેમના માટે આ જીત બહુ જ મહત્વની બની રહેશે. કોંગ્રેસે જૂથબંધીને પગલે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો ફાયદો પણ કોંગ્રેસને મળ્યો નથી. હાર્દિક પટેલ માટે પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો માહોલ છે. ત્યારે દિવાળી પહેલા ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવતી નજરે પડી રહી છે. પેટાચૂંટણીના બપોર સુધીના આંકડા બતાવી રહ્યા છે કે ભાજપ મહાબલી સાબિત થયુ છે. તો ભાજપના કાર્યાલય કમલમ તેમજ અન્ય જિલ્લાઓમાં પણ કાર્યાલયો ખાતે વિજયોત્સવ પણ શરુ થઈ ગયો છે. આમ મતદારોએ ભાજપને મોટી દિવાળી ગિફ્ટ આપી છે.