નવેમ્બર મહિનાની શરૂઆત થતા જ ગુલાબી ઠંડીની શરૂઆતમાં થઈ ગઈ છે તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આવા બેવડા વાતાવરણના કારણે લોકો વાઈરલ ઈંફેક્શન સહિતના રોગનો ભોગ બની રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી દિવસોમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવન ફૂંકાવાને કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
રાજ્યના વિવિધ શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો વલસાડમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન ગગડીને 15 ડિગ્રીએ પહોંચ્યુ છે. જ્યારે અમદાવાદનું 17 ડિગ્રી, રાજકોટમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 નવેમ્બર સુધી લોકોએ ડબલ સીઝનનો અનુભવ કરવો પડશે. રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની સીઝનની શરુઆત થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દીવાળી બાદ રાજ્યમાં કાતીલ ઠંડીનો દોર શરૂ થશે. ગુજરાતમાં પડતી ઠંડી જમ્મૂ-કશ્મીરમાં પડતી હિમવર્ષા અને ત્યારબાદ ઠંડા પવન પર આધારિત છે. હાલ કશ્મીરમાં સામાન્ય હિવર્ષા શરૂ થઈ છે. જેમ જેમ તેમા વધારો થશે તેમ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.