જમ્મૂ-કાશ્મીરની ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તિએ વધુ એક વાર ભડકાઉ નિવેદન આપ્યુ છે. તેમણે જમ્મુ કાશ્મીરમાં બંદૂક ઉઠાવનારાઓનું સમર્થન કર્યુ છે. મહેબુબા મુફ્તિએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, જો નોકરી નહીં મળે તો રાજ્યના યુવાઓ હાથમાં બંદૂક જ ઉઠાવશે. મહેબુબા મુફ્તિના આ ભડકાઉ નિવેદનથી ચકચાર મચી જવા પામી છે.
રાજ્યમાં સરકતી રાજકીય જમીન પર પોતાનો ગુસ્સો દર્શાવતા પીડીપી અધ્યક્ષે કહ્યું કે, 370 (આર્ટિકલ 370) હટાવ્યા બાદ બીજેપીની ઈચ્છા જમ્મુ-કાશ્મીરની જમીન અને નોકરી છીનવી લેવાની છે. 370 ડોગરા સંસ્કૃતિને બચાવવા માટે હતો. ભલે દેશનો ધ્વજ હોય કે જમ્મુ-કાશ્મીરનો ધ્વજ…તે આપણેને બંધારણે આપ્યો હતો.
બીજેપીએ અમારી પાસેથી તે ધ્વજ છીનવી લીધો. ઉશ્કેરણીજનક નિવેદન આપતાં રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ કહ્યું કે, આજે તેમનો (બીજેપી) સમય છે, કાલે અમારો આવશે. તેમનો પણ ટ્રમ્પ જેવો હાલ થશે. તેમણે જણાવ્યું કે, અમારો ધ્વજ અમને પરત આપી દો. અમે ચૂંટણી એક થઈને લડી રહ્યા છીએ. જમ્મુ-કાશ્મીરના ટુકડા કરી દીધા છે. મહત્વનું છે કે આ પહેલા પણ પીડીપી નેતાએ ભડકાઉ નિવેદન આપ્યુ હતું. જેને લઈ દેશભરમાં તેમના નિવેદનનો ભારે વિરોધ પણ થયો હતો.