પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રોરો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી 8 તારીખે સવારે 11 વાગ્યે આ રો-રો ફેરીનું ઇ લોકાર્પણ કરાશે.
આ સંદર્ભ ભાવનગરનાં સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા પ્રેસવાર્તા કરીને જાણકારી આપવામાં આવી હતી.. જે મુજબ ઘોઘા અને હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસ ફરીથી શરૂ થવા જઈ રહી છે, આ ફેરી સર્વિસ રોજના ત્રણ ફેરા મારશે. આ ફેરી સર્વિસના લીધે ભાવનગરથી સુરત ફક્ત ચાર કલાકમાં પહોંચી શકાશે. તેમજ ભાવનગર અને સુરત વચ્ચેનું અંતર ૩૭૦ કિલોમીટર ઘટીને ૯૦ કિલોમીટર થઇ જશે.
આ ફેરી સર્વિસમાં વર્ષે પાંચ લાખ મુસાફરો આવન-જાવન કરી શકશે તેવો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકો પોતાની સાથે બાઈક કે કાર પણ લઈ જઈ શકશે. આ સેવા સૌરાષ્ટ્ર લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે 5 લાખ મુસાફરો, 8૦ હજાર પેસેન્જર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને ૩૦ હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે.