રાજ્યની સરકારી શાળાઓમાં અર્ધવાર્ષિક પરીક્ષા આ વર્ષે નહીં યોજવામાં આવે. આ અંગેનો નિર્ણય રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ ખાતા દ્વારા આ વર્ષે રાજ્યમાં દર વર્ષે દિવાળી પહેલા સરકારી શાળાઓમાં લેવાતી અર્ધવાર્ષિક પરીક્ષા ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા સરકારે આ પ્રકારની પરીક્ષા યોજવા માટે દરેક ઘરે-ઘરે પેપર પહોંચાડવાનું આયોજન કર્યુ હતુ, હવે પરીક્ષા જ રદ થતાં આ પગલું પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગના હસ્તકની સરકારી સ્કૂલો એકમ કસોટીના આધારે વિદ્યાર્થીઓનું વાર્ષિક મૂલ્યાંકન કરશે. કોરોનાના રોગચાળાએ રાજ્યના શિક્ષણ ક્ષેત્રને વધુ એક ફટકો માર્યો છે.
સામાન્ય રીતે સરકારી શાળાઓમાં દર વર્ષે નવરાત્રિ પછી અને દિવાળી પહેલાં અર્ધવાર્ષિક પરીક્ષાઓ યોજાતી હોય છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી દિવસોમાં સ્કૂલો-કોલેજો શરુ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. જોકે, પ્રાથમિક ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવે તેવી સંભાવના નથી. હાલ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવા અંગે વિચારણા ચાલી રહી છે.