પ્રવાસી ટ્રાફિકમાં વધારો થવાની સાથે ડોમેસ્ટિક ફ્લાઇટની સંખ્યાની મર્યાદા હવે વધારો કરવામાં આવશે. નાગરીક ઉડ્ડયન મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે, ડોમેસ્ટિક ફ્લાઈટની સંખ્યા હવે કોરોના પહેલાં હતી તેના કરતા 70થી 75 ટકા જેટલી કરી દેવામાં આવશે. મંત્રાલયે ગત સપ્તાહે જણાવ્યું હતું કે સ્થાનિક વિમાની કંપનીઓ આગામી 24 ફેબ્રુઆરી 2021 સુધીમાં તેમની કોવિડ પહેલાંની ડોમેસ્ટિક ફ્લાઇટસના 60 ટકા જેટલી ફ્લાઇટસ ચાલુ કરી શકે છે.
ત્યારે હવે એક નવી યાદીમાં મંત્રાલયે જણાવ્યું છે કે રોજેરોજના એર ટ્રાફિકનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં તહેવારોને કારણે એર ટ્રાફિક વધે તેવી સંભાવના છે. જેથી પેસેન્જર ટ્રાફિક વધશે તેની સાથે સાથે ફ્લાઇટની સંખ્યાની મહત્તમ મર્યાદા પણ વધારવામાં આવશે.
મહત્વનું છે કે, 1 નવેમ્બરે દેશમાં કુલ 2 લાખ પ્રવાસીઓએ ડોમેસ્ટિક ફ્લાઇટસમાં મુસાફરી કરી હતી. મંત્રાલયે ગયા સપ્ટેમ્બર માસની બીજી તારીખે વિમાન કંપનીઓને ફ્લાઇટસની સંખ્યા મહત્તમ 60 ટકા રાખવા જણાવ્યું હતું. દેશમાં બે મહિના માટે ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ કરાયા બાદ ગત 25મી મેથી તેનો પુનઃ પ્રારંભ કરાવાયો હતો. એરલાઈન્સને આશા છે કે સરકાર બહુ જલ્દી કોરોના પહેલાં ઊડતી હતી તેટલી જ ફ્લાઇટસ ઊડાડવા માટે મંજૂરી આપી દેશે. દેશમાં જોકે શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટસ હજુ પણ પ્રતિબંધિત છે.