અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાના લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી તેમણે જીતી લીધી હતી. પરંતુ મોટાપાયે મતોમાં ચોરી કરવામાં આવી છે. અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતગણતરી ચાલુ હતી તે દરમિયાન બાઈડેન ટ્રમ્પ કરતા લીડમાં આગળ થતાં ટ્રમ્પે આ આરોપ લગાવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવ્યો છે અને પોતાની જીત ગણાવી છે. આ અંગે ટ્રમ્પે પોતાના એકાઉન્ટ પરથી ટ્વિટ પણ કર્યુ હતું. જો કે ભ્રામક જાણકારી આપવા અંગે ટ્વિટરે ટ્રમ્પની ટ્વિટને હાઈડ કરી દીધું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે હું આજે રાતે નિવેદન બહાર પાડીશ.
એક મોટી જીત, ત્યારબાદ બીજી ટ્વીટમાં તેમણે ચૂંટણીમાં ગડબડીનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમે ચૂંટણીમાં આગળ ચાલી રહ્યા છીએ. પરિણામોને પ્રભાવિત કરવાની કોશિશ થઈ રહી છે અને ચૂંટણીમાં ગડબડીની કોશિશ થઈ રહી છે. ટ્રમ્પે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. બીજીબાજુ ડોનાલ્ડ ટ્રમ્પના આરોપ પર ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેને પલટવાર કર્યો અને ટ્વીટ કરીને કહ્યું કે આ ચૂંટણીમાં વિજેતા જાહેર કરવાનું કામ મારું કે ડોનાલ્ડ ટ્રમ્પનું નથી. તે મતદારોનો અધિકાર છે.