ઉત્તરપ્રદેશના મથુરાના એક મંદિરમાં નમાઝ પઢવા મામલે વિવાદ સર્જાયો છે. મથુરાના નંદબાબા મંદિરમાં કાવતરુ કરીને નમાઝ પઢવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નમાઝ પઢતા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. જે બાદ આ મામલે ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મથુરા જિલ્લામાં થોડા દિવસો અગાઉ બ્રજ ચોરાસી કોસની યાત્રા કરી રહેલા દિલ્હીના રહેવાસી ફૈજલ ખાન અને તેના એક મિત્રએ નંદગાંવના નંદબાબા મંદિરમાં નમાજ પઢીને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. આ તસવીરો વાયરલ થયા બાદ ભારે વિવાદ સર્જાયો હતો. જે સંદર્ભે ચાર લોકોની વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
બીજીબાજુ આ કેસ પર યુપીના મંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું કે આ અસામાજિક તત્વોનું કામ છે, આવા લોકોની સામે કડકાઇથી કાર્યવાહી કરાશે. પોલીસના જણાવ્યા મુજબ મંદિરના એક સેવકની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે આરોપી ફૈઝલ ખાન, તેના મુસ્લિમ મિત્ર સહિત ચાર લોકો સામે હિન્દુઓની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો, ધાર્મિક સંપ્રદાયોની વચ્ચે અણબનાવ ઉભો કરવાનો અને ઉપાસના સ્થળને અપવિત્ર કરવા જેવા આરોપોમાં કેસ દાખલ કર્યો છે.