અલ્હાબાદ હાઇકોર્ટે પુખ્ત વયના છોકરા અને છોકરીના લગ્નને લઈ મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે પોતાના એક મહત્વના ચુકાદામાં કહ્યું છે કે પુખ્ત વયનો છોકરો અને છોકરી પોતાની મરજીથી પસંદના કોઇપણ વ્યક્તિ સાથે રહી શકે છે. તેના જીવનમાં હસ્તક્ષેપ કરવાનો કોઇને અધિકાર નથી. હાઇકોર્ટે કહ્યું કે જો કે બંધારણ પ્રત્યેક વ્યક્તિને પોતાની પસંદનો ધર્મ અપનાવવાનો અધિકાર આપે છે, પરંતુ ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યો છે, જે ખોટુ છે.
હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્દગત ધર્મ પરિવર્તન કર્યા વિના બે ધર્મોને માનતા લોકો લગ્ન કરીને વૈવાહિક જીવન પસાર કરી શકે છે. આ કાયદો તમામ ધર્મને માનનારાઓ પર લાગુ છે. તેમ છતાં લોકો લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, તે યોગ્ય નથી. કોર્ટે વિપરિત ધર્મોની પિટિશનને પોતાની મરજીથી ગમે ત્યાં, ગમે તેની સાથે રહેવા માટે સ્વતંત્ર કરી દીધી છે. આ આદેશ જસ્ટિસ જેજે મુનીરની સિંગલ બેચે સહારનપુરની પૂજા ઉર્ફે ઝોયા તથા શાહવેઝની પિટિશન પર આપ્યો છે.