કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કૃષિ બિલના વિરોધમાં સરકાર સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસ નેતા ખેડૂતોના મુદ્દે સતત વડાપ્રધાન મોદી પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે વધુ એક વખત તેમણે સોશ્યલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, દેશના ખેડૂતોએ માંગી હતી મંડી અને પીએમ મોદીએ પકડાવી દીધી ભયંકર મંદી.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ટ્વિટ કર્યુ છે અને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરી તેમને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. મહત્વનું છે કે, દેશના વિવિધ સ્થળો પર કૃષિ બિલના કાયદા મુદ્દે વિપક્ષ દ્વારા આંદોલન કરી સરકારને ઘેરવામાં આવી રહી છે. આ મુદ્દે ખેડૂતોની સાથે રાહુલ ગાંધીએ ટ્રેક્ટર રેલીઓ પણ યોજી હતી.
મહત્વનું છે કે, દેશમાં કોરોના વાયરસ મહામારીના કારણે અર્થતંત્ર મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે અને બીજી તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ પહેલા છત્તીસગઢના એક કાર્યક્રમમાં પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નવા કાયદાઓ ખેડૂતો, શ્રમિકો અને દેશના પાયાને કમજોર કરી નાખશે અને મને આશા છે કે પીએમ મોદી આ નવા કાયદા પર પુનર્વિચાર કરશે.