કોરોના વાયરસ મહામારી સામે આજે વિશ્વના અનેક દેશો લડી રહ્યા છે. કોરોના વાયરસની મહામારીના શરુઆતના તબક્કામાં માસ્ક અને સુરક્ષા ઉપકરણોની અછત હતી. હવે કોરોના વેક્સીન તૈયાર થવાની નજીક છે, ત્યારે પોતાના દરેક નાગરિકને રસી પહોંચડવા સામે દરેક દેશો સામે મોટા પડકારો છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને વેક્સીન માટે તૈયારી પૂર્ણ કરવા કહ્યું છે. પરિવહન, કોલ્ડ ચેઇન સહિત વૈશ્વિક સ્તર પર મોટી સંખ્યામાં કાચની શીશી અને અન્ય સામાન એકત્ર કરવામાં પણ ખૂબ મુશ્કેલી છે. એક રિપોર્ટ અનુસાર ભારતે 40 થી 50 કરોડ લોકોને વેક્સીન આપવા માટે પોતાની ક્ષમતામાં ઝડપથી વધારો કરવો પડશે. વેક્સીન કોલ્ડ ચેઇન નેટવર્ક, સીરિંજ અને કાચની શીશીઓના સ્ટોકમાં વૃદ્ધિ અને આરોગ્ય કર્મીઓને ટ્રેનિંગ આપવી પડશે. અન્યથા કોવિડ-19 વેક્સીન લોકોની પહોંચમાં રહેશે નહીં, જેની હાલ સૌથી વધુ જરુરીયાત છે.
કાચની વૈશ્વિક સ્તરે અછતના કારણે આ સમસ્યા સર્જાઈ છે. કેમ કે ખરાબ ગુણવત્તાના કાચથી વેક્સીનની શીશી બનાવી શકાય નહીં. તેને બોરોસિલેક્ટ ગ્લાસથી બનાવવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં ગ્લાસનો સંગ્રહ, પૃથક્કરણ અને રિસાઇકિલિંગ પ્રભાવિત થઈ છે. એક રિપોર્ટ અનુસાર પ્રતિ વર્ષે 50 અબજ શીશીના કન્ટેનરનો મેડિકલ કાર્ય માટે ઉપયોગ થાય છે. એમાંથી 15 થી 20 અબજ મેડિકલ શીશી માટે હોય છે. ફક્ત અડધી દુનિયાને વેક્સીન આપવા માટે વધારાની 3.5 અબજ કાચની શીશીઓની જરુરત પડશે. હાલમાં દુનિયામાં પુરતી માત્રામાં વેક્સીનની શીશીઓ ઉપલબ્ધ નથી.