કોરોના મહામારી વચ્ચે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આવતીકાલે આ 8 બેઠકો માટે મતદાન થશે. પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, ત્યારે છેલ્લી ઘડીના પ્રચારમાં બંને પક્ષોએ એડીચોટીનો જોર લગાવ્યો હતો.
ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે રવિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ ગયો હતો. ત્યારે હવે આજે ઉમેદવારો અને રાજકીય પક્ષો જાહેરમાં સભા કરીને ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. જોકે, ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે અને આવતીકાલે 8 બેઠકો પર મતદાન યોજાશે. મંગળવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક (અબડાસા, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા)માંથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ આવતીકાલે આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.
આજે મતદાનના દિવસ માટેની રણનીતિને આખરી ઓપ અપાશે. જે તે મત-વિસ્તારના જાતિ-જ્ઞાતિના મહત્વના આગેવાનો સાથે બંધબારણે બેઠકો અને મોટાભાગના મતદારોને પોતાની તરફેણ મતદાન મથક સુધી લઈ જવાની રણનીતિ અમલમાં મુકાશે. મતદાનમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે, અને 10 નવેમ્બરે મત ગણતરી અને પરિણામ જાહેર થશે. આપને જણાવી દઈએ કે પેટા ચૂંટણી કોંગ્રેસમાં મોટાપાયે તોડજોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડતાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે.