બ્રિટનમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. જેના કારણે બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસને દેશમાં એક મહિના માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી હતી. લોકડાઉનના કડક નિયમો આ સપ્તાહથી લાગુ થશે જેના પગલે લોકોને ઘરમાં જ રહેવું પડશે.
જો કે સરકારે કેટલાક જરૂરી કામો, શિક્ષણ અને વ્યાયામ માટે કેટલીક છૂટછાટ આપી છે. આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ દુકાનો પણ બંધ રહેશે. જોન્સનના વૈજ્ઞાનિક સલાહકારના જણાવ્યા મુજબ, દેશ પાસે વાયરસને ફેલાતો અટકાવવા માટે આ એકમાત્ર રસ્તો છે. વર્ષના પ્રારંભે બ્રિટનમાં લાગુ કરાયેલા લોકડાઉનથી અલગ આ વખતે લોકડાઉન 2.0માં શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓને ખુલ્લા રખાશે. જ્યારે પબ તેમજ રેસ્તોરાં બંધ રહેશે. લક્ઝરી તેમજ મનોરંજન સાથે સંકળાયેલા તમામ સ્થળો અને બિનજરૂરી દુકાનો પણ બંધ રહેશે.
આ વખતે લોકડાઉનનો 2જી ડિસેમ્બરે અંત આવી શકે છે. અત્યાર સુધી બ્રિટનમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલ લોકોની સંખ્યા 46 હજાર પર પહોંચી છે. જ્યારે બ્રિટનમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 10 લાખથી વધુ છે. મહત્વનું છે કે, અગાઉ ફ્રાંસ અને જર્મનીમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.