કોરોના મહામારીના કારણે અનેક કંપનીઓને મોટાપાયે આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે આ કંપનીઓ દ્વારા કર્મચારીઓને પણ છૂટા કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોનાના લીધે આર્થિક પડકારનો સામનો કરી રહેલ Walt Disney Worldએ તેના 11,000 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયથી ફ્લોરિડા સ્થિત રિસોર્ટમાં મહામારીને લીધે નોકરી ગુમાવનારા કુલ કર્મચારીઓની સંખ્યા 18,000 થશે. આ પહેલા Walt Disney World જાહેરાત કરી હતી કે ફ્લોરિડામાં સંગઠન બહારના 6400 કર્મચારીઓને પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવશે.
મહામારીના આ વર્ષમાં Walt Disney Worldમાં કામ કરનારા 720 કલાકારો અને ગાયકને નોકરીમાંથી બરતરફ કરાયા હતા. Walt Disney Worldએ ગત મહિને જ ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં 28,000 નોકરીઓને ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે તાજેતરનો નિર્ણય પણ તેનો એક ભાગ છે. બીજી તરફ વિશ્વભરના દેશોમાં ફેલાઇ ચૂકેલી કોરોના મહામારી હવે રૌદ્ર રુપ ધારણ કરી ચૂકી છે. દિવસે ને દિવસે કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે વિશ્વના અનેક દેશો આર્થિક પડકારોનો પણ સામનો કરી રહ્યા છે.