કોરોના મહામારીએ લોકોની જીવનશૈલીમાં મોટો બદલાવ કરી દીધો છે. આ સાથે જ દેશમાં દર વર્ષે થતાં તહેવારોની ઉજવણીમાં પણ કોરોનાએ ભંગ પાડ્યો છે. જેના કારણે ગુજરાતમાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ જેવા પર્વની જાહેરાત ઉજવણી પર પ્રતિબંધ લગાવાયો હતો.
ત્યારે આગામી દિવસોમાં આવનાર દિવાળી પર્વની ઉજવણીમાં પણ લોકોને વિશેષ સલામતી રાખવા સરકાર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે. રોશનીના પર્વ દિવાળીની લોકો ફટાકડા ફોડી રંગેચંગે ઉજવણી કરતા હોય છે ત્યારે ચાલુ વર્ષે ફટાકડા ફોડવા એ કોરોનાના દર્દીઓ તેમજ લોકો માટે કેટલા ઘાતકરુપ સાબિત થઈ શકે છે તે અંગે નિષ્ણાંતોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે.
અમદાવાદમાં આરોગ્ય વિભાગના નિષ્ણાત તબીબોએ ફટાકડાનો ધૂમાડો કોરોના પડિતો માટે ઘાતક પૂરવાર થઇ શકે છે એવી દહેશત વ્યક્ત કરી છે. તબીબોના જણાવ્યા પ્રમાણે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ તો ઠીક કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે પણ ફટાકડાનો ધુમાડો જોખમી નિવડી શકે છે.
તબીબોના જણાવ્યા મુજબ, કોરોનાના દર્દીઓને મોટાભાગે શ્વાસ લેવામાં વધુ તકલીફ હોય છે. તેમજ દર્દીના ફેફસા નબળા પણ પડી જતા હોય છે. આવી સ્થિતિમાં દિવાળીમાં ફોડવામાં આવતા ફટાકડાના ધૂમાડાના કારણે ઝેરી ગેસ શ્વાસ વાટે શરીરમાં જતા દર્દીના ફેફસા પર અસર કરી શકે છે, જેના કારણે વ્યક્તિને શ્વાસ સંબંધિત વધુ તકલીફ થઈ શકે છે.