ભારતમાં કોરોનાનો કહેર હજી પણ યથાવત છે. છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસ મહામારી દરમિયાન કેટલાક જિલ્લામાં સરકારી અધિકારીઓએ કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયાને નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાના ચોંકાવનારા આરોપ લાગ્યા છે.
દેશની સૌથી મોટી ખાનગી ટેસ્ટિંગ લેબ્સમાં એક થાયરોકેરના મેનેજિંગ ડિરેક્ટર વેલુમનીએ કોરોના વાયરસ ટેસ્ટિંગમાં હેરફેરનો ખુલાસો કર્યો છે. તેમનો આરોપ છે કે કેટલાક જિલ્લામાં સરકારી અધિકારી કોરોના ટેસ્ટિંગને સીધી રીતે કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી તે પોતાના જિલ્લામાં સારી તસ્વીર રજુ કરી શકે.
સુત્રોના જણાવ્યા મુજબ વેલુમનીએ જણાવ્યું કે, ટેસ્ટિંગને હવે તમામ માટે ખોલી દેવામાં આવ્યું છે. સરકાર જિલ્લા સ્તરે પ્રાઈવેટ સેન્ટરોને નિયંત્રિત કરી રહી છે. હવે આ પહેલા કરતા પણ વધારે થઈ રહ્યું છે. અમને અલગ અલગ રાજ્યોમાંના અનેક જિલ્લાઓના સેમ્પલ ન લેવા કહેવામાં આવ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે અમે જૂઠો પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે થાયરોકેર દેશની 5 સૌથી મોટા ટેસ્ટિંગ સેન્ટર્સમાંનું એક છે. આ લેબના યુનિટ મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડ કોરોના દર્દીઓના સેમ્પલ એકઠા કરવામાં લાગી છે. વેલુમનીએ જણાવ્યું કે રોજના 100 જિલ્લામાં 2 હજાર સેમ્પલ ઓછા કરી દેવામાં આવે છે. આ પાછળ ઈરાદો એવો છે કે આ જિલ્લાને પોઝિટિવ ન દર્શાવવામાં આવે. ભેગા કરેલા સેમ્પલમાંથી 30 ટકાને આ સમસ્યા નડી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારની સમસ્યા સામે આવી છે.