દેશમાં કોરોનાના કેસોની સંખ્યા 80 લાખને પાર કરી ગઈ છે, ત્યારે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે કોરોના વેક્સિન બની ગયા બાદ દેશના તમામ નાગરિકનું રસીકરણ કરવામાં આવશે. તેમણે કોરોના વેક્સિન વેક્સિનને લઈને પોતાની સરકારની તૈયારીઓ અંગે જાણકારી આપતા કહ્યું કે, દેશના છેવાડાના નાગરિક સુધી વેક્સિન પહોંચાડવા માટેની યોજના પર કામ ચાલી રહ્યુ છે.
તેમણે જણાવ્યું કે, કોરોના વેક્સિનના સ્ટોરેજના રસીકરણ માટે કોલ્ડ ચેન પર કામ ચાલી રહ્યુ છે. એક સમાચારપત્રને આપેલ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ આ અંગેની વાત કહી. તેમણે કોરોના વેક્સિનને લઈ જણાવ્યું કે દેશનો કોઈપણ નાગરિક વેક્સિનથી વંચિત નહીં રહે. પીએમ મોદીએ કહ્યું કે, કોરોના વેક્સીનને લઈ હાલના સમયમાં દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. હું ભારતના દરેક નાગરિકને જણાવી દઉં કે કોરોનાની વેક્સીન દરેકને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કોઈ પણ તેનાથી વંચિત નહીં રહી જાય.
આ ઉપરાંત તેમણે કોરોના મહામારીના સંક્રમણને જોતા દેશમાં લોકડાઉન લાગુ કરાયું તે અંગે વાત કરતા કહ્યું કે લોકડાઉન જેવી રણનીતિથી ભારતે લાખો લોકોના જીવ બચાવ્યા છે.