આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે આગમન બાદ પ્રવાસીઓ માણી શકે તે માટે 12 લક્ઝુરિયસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. જેમાં 31 ઓક્ટોબરના રોજ સવારે 6 કલાકે આરોગ્ય વનની ઉદ્ધાટન કરવાના છે. તેઓ 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવાના છે.
આ આરોગ્ય વન વિભાગ 17 એકર જમીનમાં ફેલાયેલુ છે. આ વનમાં યોગ ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી સવારે 6 કલાકે વિધિવત રીતે ઉદ્ધાટન કરીને 20 મિનિટ યોગ અને પ્રાણાયમ કરશે. જેના પગલે હાલ અહીં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને ખાસ પ્રાધાન્ય આપે છે અને આ વિશ્વ આરોગ્ય ઔષધીય વન તેમનો ડ્રિમ પ્રોજેક્ટ છે. ત્યારે અહીંયા 1 હજારથી વધુ આયુર્વેદિક વિવિધ છોડ પણ ઉગાડવામાં આવ્યા છે. તેમજ પ્રવાસીઓને સૌથી વધુ સ્વચ્છ હવા અને વાતાવરણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓ રાત્રીના રોકાણ કરે તો આ વિશ્વ આરોગ્ય ઔષધીય વનમાં આવીને યોગ પ્રાણાયામ કરે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.