ભારતના વિવિધ રાજ્યોમાં યોજાતી ચૂંટણીઓમાં પ્રચાર માટે રાજકીય પાર્ટીઓ ઘણી વખત બોલીવુડ સેલિબ્રિટીઓનો પણ સહારો લેતા હોય છે. બોલીવુડ સેલિબ્રિટીઓના ચાહકોની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી તેમના દ્વારા મતદાતાઓને આકર્ષિત કરવામાં આવતા હોય છે. જોકે આ દરમિયાન ક્યારેક વિવાદ ઉભા થતા હોવાની પણ ઘટના સામે આવતી હોય છે.
ત્યારે બુધવારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. આ દરમિયાન ઔરંગાબાદની ઓબરા બેઠકના લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના ઉમેદવાર ડો.પ્રકાશ ચંદ્રા માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલ બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ સાથે કંઈક એવી ઘટના બની જે હાલ ચર્ચાનું કેન્દ્ર છે.
અભિનેત્રી અમિષા પટેલે ઉમેદવાર ડો.ચંદ્રા પર જબરદસ્તી ચૂંટણી પ્રચાર કરાવવા તથા ભીડમાં મોકલવાનો આરોપ લગાવ્યો છે. તેણે જણાવ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન એકત્ર થયેલ ભીડ દરમિયાન તેની સાથે દુષ્કર્મ પણ થઈ શક્તુ હતું. અભિનેત્રીએ કહ્યું કે મારા ગાડીના કાફલા પાસે મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી. તેમ છતાં ડો.ચંદ્રાએ મને ભીડમાં જઈને ચૂંટણી પ્રચાર કરવા દબાણ કર્યું. અભિનેત્રીએ બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાનના પોતાના અનુભવને ખરાબ ગણાવ્યો છે. અભિનેત્રીના આ આરોપો બાદ ભારે ખળભળાટ મચ્યો છે.