દેશભરમાં કોરોનાની અનલોક 5ની ગાઈડલાઈન મુજબ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન થિયેટરો 15 ઓક્ટોબર બાદથી શરુ કરવામાં આવ્યા છે. ગુજરાતના પણ મહાનગરોમાં કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં આવેલા સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સ શરુ થઈ ગયા છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે.
જોકે કોરોનાના સંક્રમણને જોતા મોટાભાગના લોકો થિયેટરમાં જવાનું ટાળી રહ્યા છે. આ પાછળનું બીજુ કારણ એ પણ છે કે હવે લોકોનો લિવિંગ રુમ જ પ્રાઈવેટ થિયેટર બની ગયો છે.
મોટાભાગના લોકો લોકડાઉન લાગ્યુ ત્યારથી હવે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટરમાં જ ઈન્ટરનેટના માધ્યમથી નવી ફિલ્મો અને વેબસીરીઝ જોતા થઈ ગયા છે. જેથી કોરોનાના સંક્રમણને જોતા હજી પણ યથાવત છે. તેમાં પણ હાલ થિયેટરમાં કોઈ નવી ફિલ્મો ચલાવવામાં આવી રહી નથી એ પણ લોકોની ભીડ થિયેટરોમાં ઓછી હોવાનું એક મોટુ કારણ છે. રાજ્યમાં લગભગ 10 દિવસ પહેલાથી મલ્ટિપ્લેક્સ ખૂલી ગયા છે પરંતુ ભાગ્યે જ કોઈ લોકોની ચહલપહલ થિયેટરમાં જોવા મળે છે. કોરોનાનો ભય અને નવા કોઈ મૂવીઝ રિલિઝ ન થતા હોવાના બે કારણ સાથે થિયેટરમાં રોજના એકાદ-બે શો માંડ થાય છે. આ કારણે કેટલાક થિયેટરે તો ફરી પોતાના શટર પાડી દીધા છે અને દિવાળી પર રિલિઝ થનાર ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે.