ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. જે દરમિયાન સોમવારે વડોદરાની કરજણના કુરાલી ગામે નાયબ મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હોવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. જાહેરસભાને સંબોધ્યા બાદ મીડિયા સાથેની વાતચીત દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચપ્પલ ફેંકવામાં આવ્યુ હતું. આ ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી હતી.
ત્યારે એલસીબીની ટીમે ચપ્પલ ફેકવાનુ ષડયંત્ર રચનાર શખ્સની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, સોમવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણના કુરાલીમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું અને માઇક પર પડ્યું હતુ. ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પણ તેમણે મીડિયા સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું.
આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ચપ્પલ ફેંકાવનાર રશ્મિન પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. રશ્મિન ભાજપનો જ કાર્યકર હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે રશ્મિન 2010માં શિનોર તાલુકા પંચાયતનો કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેમજ તેમના પત્ની શિનોરના સરપંચ પણ હતા. રશ્મિને જ નાયબ મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકાવ્યુ હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અમિત પંડ્યા નામના યુવક સાથે રશ્મિનની વાત થઈ હતી. જેમાં રશ્મિન ફોન પર જૂત્તું ફેંકવાનું કામ આપણા માણસોએ જ કર્યુ હોવાની વાત કરતો હતો. પોલીસને આ વાતચીતની ઓડિયો ક્લીપ પણ મળી આવી છે.