નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ મુંબઈમાં એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં ટીવીની જાણીતી અભિનેત્રી પ્રીતિકા ચૌહાણને રંગેહાથ ડ્રગ્સ ખરીદતા ઝડપી પાડવામાં આવી છે. આ કાર્યવાહીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અભિનેત્રી પ્રિતિકા સાથે ફૈઝલ નામની વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. એજન્સીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી દીધા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓ પાસેથી 99 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો છે. અભિનેત્રી પ્રીતિકા ચૌહાણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝમેલા’થી કરી હતી.
ત્યારબાદ તેણે ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. અભિનેત્રી પ્રીતિકા ચૌહાણે ‘સંકટમોચન મહાબાલી હનુમાન’ સિરીયલમાં સાચીની ભૂમિકા ભજવી હતી.
સંકટોમોચન મહાબાલી હનુમાન ઉપરાંત તે CID અને સાવધાન ઇન્ડિયામાં પણ અભિનય કરી ચૂકી છે. અભિનેત્રી પ્રીતિકા સ્ટાર ભારતના શો ‘જગ જનની મા વૈષ્ણો દેવી’માં ભૂદેવીના કિરદારમાં અને ‘દેવો કે દેવ મહાદેવ’માં પણ જોવા મળી હતી. આ સિરીયલ બાદ તેને વધુ પ્રસિદ્ધિ મળી હતી.