ગાંધીનગર નજીક રૂપાલ ખાતે 5 હજાર વર્ષથી ચાલી આવતી ઐતિહાસિક પલ્લી આ વખતે પણ નીકળી હતી. દર વર્ષે નવરાત્રિમાં વરદાયીની માતાની પલ્લી યોજાય છે જોકે આ વર્ષે કોરોનાના કારણે સરકારે અને તંત્રએ પલ્લી માટે પરમિશન આપી નહોતી. પરંતુ રૂપાલ ગામના ગ્રામજનોની જીદ આગળ રાજ્ય સરકારે નમતું જોખ્યું હતું અને માત્ર 45 મિનિટ માટે ગામના 151 લોકોની હાજરીમાં માં વરદાયિની માતાની પલ્લી યોજાઈ હતી.
આમ, રૂપાલ ખાતે 5000 વર્ષથી ચાલી આવતી ઐતિહાસિક પલ્લી આ વખતે પણ નીકળી હતી. ગામમાં પ્રવેશતા તમામ દ્વાર ઉપર લોખંડી પોલીસ પહેરો ગોઠવાયો હતા. પલ્લીના દર્શનાર્થે લોકોની ભીડ ના ઉમટી પડે તે માટે ગામમાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. મોડી રાત્રે નીકળેલી પલ્લી શાંતિપૂર્ણ રીતે યોજાતા વર્ષોની પરંપરા જળવાઈ રહેતા ગ્રામજનો અને શ્રદ્ધાળુઓએ પણ આનંદની લાગણી અનુભવી હતી.
મહત્વનું છે કે, પાંડવોના સમયથી ચાલી આવતી ધાર્મિક પરંપરા મુજબ દર વર્ષે આસો સુદ નોમના દિવસે પલ્લી ભરાય છે. દર વર્ષે પલ્લીમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનનો લાભ લેતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણને જોતા મર્યાદિત લોકોની હાજરીમાં આ પલ્લી યોજાઈ હતી. આ વર્ષની પલ્લીની સૌથી મોટી ખાસિયત તે હતી કે કોઈપણ પ્રકારની વીડિયો શૂટિંગ કરવામાં આવ્યું નહોતું. રૂપાલ ગામમાં દર વર્ષે ઘીની નદીઓ વહેતી હોય છે, પરંતુ આ વર્ષે ઘીની નદીઓ જોવા મળી નહોતી.
આમ ચાલુ વર્ષે રૂપાલ ગામના રસ્તાઓ પણ કોરા રહ્યા હતા. સામાન્ય રીતે ગામમાં આવેલા 27 ચકલા ઉપર માતાજીની પલ્લી થોડા સમય માટે રોકવામાં આવે છે. જ્યાં લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે.