કોરોના મહામારીના આ સમયગાળામાં હાલ સમગ્ર વિશ્વ કોરોના વેક્સિનની કાગડોળે રાહ જોઈ રહ્યું છે. ભારતમાં કોરોના વેક્સિન ક્યારે આવશે તે મામલે પણ હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. તો બિહાર ચૂંટણીમાં ભાજપ દ્વારા મફતમાં કોરોના વેક્સિન આપવાનો મુદ્દો ચગ્યો છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી સીએમ રૂપાણીએ પણ કોરોના વેક્સિન ક્યારે આવશે તે અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.
વડોદરા નજીક અણખોલ ગામની સીમમાં 100 કરોડના ખર્ચે સાકાર થનારા મિશન-2026 હેઠળ આયોજિત સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીએ કોરોના વેક્સિન અંગે વાત કરી હતી. આ પ્રસંગે CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેક્સિન આવશે, હાલ નિયમોનું પાલન કરવું એકમાત્ર વિકલ્પ છે. તેમણે જણાવ્યું કે, જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાની રસી લોકો સુધી પહોંચવાની શરૂઆત થઇ જશે. જેથી ત્યાં સુધી દરેક વ્યક્તિએ કોરોના મહામારીથી તકેદારી રાખવાની જરૂર છે. કોરોનાની રસી મળે ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ પાળવા સહિતની તકેદારીઓ જ બચાવનો વિકલ્પ છે. મુખ્યમંત્રી રુપાણીએ આ નિવેદનથી કોરોના મહામારી વચ્ચે ગુજરાતના લોકોને એક મોટી આશા આપી છે.