ગુજરાતી ફિલ્મ જગતનો વધુ એક સિતારો ખર્યો છે. ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત ગાયક અને પાટણ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું દુખદ નિધન થયું છે. તેમના નિધનના પગલે ગુજરાતી ફિલ્મ જગતમાં દુખની લાગણી પ્રસરી ગઈ હતી. તેઓ ગુજરાતી પ્રખ્યાત અભિનેતા નરેશ કનોડિયાના ભાઈ હતા. લાંબી માંદગી બાદ ગાંધીનગનરા તેમના નિવાસસ્થાને તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. તેઓ અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યા છે.
મહત્વનું છે કે, મહેશ કનોડિયાનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. મહેશ કનોડિયાના ભાઈ નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી. આ બેલડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને આફ્રિકા અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.
મહેશ કનોડિયા પોતાની “મહેશકુમાર એન્ડ પાર્ટી” દ્વારા પણ જાણીતા હતા. તેઓ કુદરતી બક્ષિસ ધરાવતા ઉમદા ગાયક હતા જે સ્ત્રી તથા પુરુષનાં એમ બંનેના અવાજમા ગીતો ગાવા માટે પ્રખ્યાત હતા. ગુજરાતી ફિલ્મો ઉપરાંત મહેશ કનોડિયાએ ગરબા, લોકસંગીત, અને અન્ય ગેર ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને અપાતા એવોર્ડ પૈકી ઘણા એવોર્ડ મહેશ કનોડિયાને પણ પ્રાપ્ત થયા હતા. જેમાં ફિલ્મ જીગર અને અમી, તાનારીરી માટે તેમને શ્રેષ્ઠ સંગીત માટે એવોર્ડ પ્રાપ્ત થયો હતો.