હાલમાં ગુજરાતની વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ, કોંગ્રેસે તેના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે. ત્યારે સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ પાર્ટીના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર અભિયાન શરુ કરી દીધું છે. જે અંતર્ગત શંકરસિંહ વાઘેલાએ મોરબી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રજા શક્તિ પાર્ટીના ઉમેદવાર વસંતભાઈ પરમારના સમર્થનમાં રેલીને સંબોધન કર્યુ હતું.
આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકારના સમજ્યા વિચાર્યા વિનાના નિર્ણયોના કારણે રાજ્યની જનતા નિરાશ છે. ત્યારે અમારી પાર્ટીનો પંચામૃત સંકલ્પ લોકો માટે આશાનું કિરણ બન્યું છે. શંકરસિંહે સભાને સંબોધતા જણાવ્યું કે, હવે નફરતની રાજનીતિ નહીં, મુદ્દાની રાજનીતિ થકી લોકોનો વિકાસ થશે.
મહત્વનું છે કે, શંકરસિંહ વાઘેલાની પાર્ટીએ પાંચ વચનરુપી સંકલ્પ લીધા છે. જેમાં વર્ષે 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવારને વાર્ષિક 12 લાખનું આરોગ્ય કવચ, વાર્ષિક 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવારના બાળકોને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી વિના મૂલ્યે શિક્ષણનું વચન અપાયું છે.
આ ઉપરાંત ગુજરાતના બેરોજગાર યુવાનોને રોજગાર તેમજ બેરોજગારી ભથ્થુ, વોટર ટેક્સ નાબૂદ તેમજ 100 યુનિટ સુધી ફ્રી વીજળી, ખેડૂતોને દેવા અને વીજ બિલમાં રાહતની સાથે સાથે ભ્રષ્ટ દારુબંધી હટાવીને તજજ્ઞોના અભિપ્રાય સાથે નવી સાઈન્ટીફિટિક લિકર પોલીસી લાગુ કરવાના સંકલ્પ રજૂ કર્યા છે.