ગુજરાતના યુવાનો હવે દારુ, ડ્રગ્સ, ગાંજાની સાથે સાથે નવા નશાની ગીરફ્તમાંથી પસાર થઈ રહ્યા છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના યુવાનો છેલ્લા ઘણા સમયથી હર્બલ સિરપના નશાની રવાડે ચઢ્યા હોવાનું સામે આવ્યુ છે. મહેસાણા ઉપરાંત પોરબંદર સહિત ગુજરાતના અન્ય ભાગોમાં પણ યુવાનો હર્બલ સિરપથી નશો કરતા હોવાની વિગતો અગાઉ સામે આવી ચુકી છે.
યુરીનાસવ નામની પથરીની દવાનો હાલ યુવાધન નશા માટે ઉપયોગ કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ 375 ગ્રામની બોટલમાં 11 ટકા આલ્કોહોલ સેલ્ફ જનરેટ થાય છે જે 11 ટકા આલ્કોહોલ એક બિયરની બોટલ કરતા પણ વધુ માનવામાં આવે છે.
યુવાધન આ પ્રોડક્ટનો ઉપયોગ હવે નશા માટે કરતા થઈ ગયા છે. તેમજ હરબી ફ્લો નામની ડ્રિન્કનો પણ નશા માટે ઉપયોગ થઈ રહ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ, મહેસાણામાં પાર્લર પર હર્બલ પ્રોડક્ટ અને ડ્રિન્કનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. એક અગ્રણી ગુજરાતી ન્યુઝ ચેનલની વેબસાઈટમાં આ અંગેના અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે.