કોરોના મહામારીથી આજે ભારત જ નહીં દુનિયાના અનેક દેશો ઝઝૂમી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતમાં કોરોનાની વેક્સીનને રાજકીય મુદ્દો બનાવી તેનો લાભ લેવા હવે નેતાઓ વેક્સીનના વાયદા આપી મત માંગવા લાગ્યા છે. બિહાર વિધાનસભાની ચૂંટણી આડે હવે પાંચ છ દિવસ રહ્યા છે ત્યારે ભાજપે ગુરુવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ ચૂંટણી ઢંઢેરામાં ભાજપે ઘણા વાયદાઓ કર્યા તે પૈકીનો એક વાયદો કોરોના વેક્સીન અંગે પણ કર્યો. જે મુજબ બિહારની જનતાને ભાજપે કોરોનાની વેક્સીન વિનામૂલ્યે આપવાનું વચન આપ્યુ છે.
આ ઉપરાંત 19 લાખ બેકાર યુવાનોને રોજી આપવાની જાહેરાત કરી હતી. બિહાર ભાજપે ગુરુવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમનની હાજરીમાં પોતાનું 11 સંકલ્પો સાથેનું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું. પ્રદેશ ભાજપે આમાં 19 લાખ લોકોને રોજગારી આપવાનો વાયદો કર્યો છે. જો કે બિહાર વિધાનસભામાં ભાજપે સૌપ્રથમ વખત કોરોનાની રસીનું વચન પણ આપ્યું છે.
ભાજપના ડોક્યુમેન્ટ મુજબ બિહારમાં તેમની સરકાર આવશે તો નિઃશુલ્ક રસીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપે 3 લાખ શિક્ષકોને પણ નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. પોતાના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે 2022 સુધીમાં 30 લાખ લોકોને પાક્કા મકાન આપવાનું પણ વચન આપ્યુ છે, જ્યારે એક કરોડ મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે પણ જાહેરાત કરી છે.