ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી દશેરા સુધીમાં 100 રૂપિયે કિલોના ભાવે વેચાય તો નવાઇ નહીં. જાણકાર વર્તુળોના કહેવા મુજબ કાંદાનો જૂનો સ્ટોક ખતમ થવા આવ્યો હતો અને નવો પાક હજુ બજારમાં આવ્યો નથી. ત્યારે તહેવારોની સીઝનમાં ડુંગળીના ભાવ તમારા રસોડાના બજેટ પર અસર પાડી શકે છે. એક જ દિવસમાં ડુંગળીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
સોમવારના હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ 6802 રુપિયા પ્રતિ ક્વિંટલ પર હતો. પરંતુ હવે આ ભાવ 7800 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી પહોંચી ગયો છે. મંગળવારના ચેન્નાઈમાં ડુંગળીનો રિટેલ ભાવ 73 રૂપિયા પ્રતિ કિલો રહ્યો, જ્યારે બીજા મેટ્રો શહેરોની સરખામણીએ ચેન્નાઈમાં ડુંગળી સૌથી વધારે મોંઘી વેચાઈ રહી છે.
કમોસમી વરસાદના કારણે ડુંગળીની કિંમત ઝડપથી વધી રહી છે. ડુંગળી ઉત્પાદક રાજ્યોમાંથી ઓછી સપ્લાય થવાના કારણે કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના નાશિકના લાસલાંવમાં ડુંગળીનું સૌથી મોટું બજાર આવેલું છે. જ્યાં બુધવારે સવારે આ બજારમાં ડુંગળીનો જથાબંધ ભાવ ક્વિન્ટલે રૂપિયા 7,800 પર પહોંચી ગયો હતો. એ ધ્યાનમાં લેતાં ગરીબો કે મધ્યમ વર્ગને ડુંગળી પરવડી શકે એમ નહતી. હોલસેલર પાસે જ 84 રૂપિયે કિલોના ભાવે ડુંગળી આવી રહી છે. જેથી રીટેલમાં હવે આગામી દિવસોમાં ડુંગળી 100 રુપિયામાં વેચાય તો નવાઈ નહીં.