હાલ નવરાત્રિમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ સામાન્યથી હળવા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે અડધાથી સવા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
મંગળવારે દિવસ દરમિયાન ૭ તાલુકામાં 1થી ૨.૭૧ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૪૪.૬૫ ઈંચ સાથે સિઝનનો ૧૩૬.૫૦ ટકા વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ધારી, લાઠી, રાજુલા અને જાફરાબાદમાં મંગળવારે વરસાદી માહોલ સર્જાયો હતો, જેના પગલે કેટલાક વિસ્તારમાં ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે, હવામાન વિભાગ પ્રમાણે, રાજ્યમાં આગામી બે દિવસમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદ પડે તેવી સંભાવના છે