મધ્યપ્રદેશ ભાજપના કેબિનેટ મંત્રી ઇમરત દેવીને આઈટમ કહેવાને લઈ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની મુશ્કેલી વધી છે. કોંગ્રેસ નેતાના આ નિવેદનથી મધ્યપ્રદેશમાં જ નહીં પણ દેશભરમાં કોંગ્રેસ પાર્ટી શરમમાં મુકાઈ છે. જોકે આવુ પ્રથમ વખત નથી કે કોઈ નેતાએ મહિલાઓને લઈ અભદ્ર નિવેદન આપ્યુ હોય આ પહેલા પીએમ મોદી સહિતના નેતાઓના મોંઢામાંથી મહિલાઓ માટે ખરાબ ટિપ્પણીઓ નીકળી છે.
વર્ષ 2018માં રેણુકા ચૌધરી પર પીએમ મોદીની ટિપ્પણી
વર્ષ 2018માં સંસદમાં પીએમ મોદીએ કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીની સરખામણી રામાયણ સિરીયલની રાક્ષસી સાથે કરી હતી. રેણુકા ચૌધરી પીએમ મોદીના કોઈ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ખડખડાટ હસવા લાગ્યા હતા. જેમને સભાપતિ વૈંકેયા નાયડુએ રોક્યા હતા. જોકે આ દરમિયાન પીએમ મોદીએ વૈંકેયા નાયડુને અટકાવતા કહ્યું કે, સભાપતિ તમે એમને રોકશો નહીં, રામાયણ સિરીયલ બાદ પહેલીવાર આટલુ હાસ્ય જોવા મળ્યુ છે. વડાપ્રધાન મોદીના આવા નિવેદન પર રેણૂકાએ પણ ખૂબ વાંધો ઉઠાવ્યો હતો.
ભાજપ નેતા નરેશ અગ્રવાલે જયા બચ્ચનને કીધી નાચવાવાળી
2018માં જયા બચ્ચને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા ત્યારે નરેશ અગ્રવાલે આ પ્રકારની વાંધાજનક ટિપ્પણ કરતા જયા બચ્ચનને નાચવાવાળી કહી દીધી હતી. તેમના આ નિવેદનને લઈ ભારે હોબાળો મચ્યો હતો.
કોંગ્રેસ નેતા શરદ યાદવે વસુંધરા રાજે પર કરી હતી ટિપ્પણી
વર્ષ 2018માં રાજસ્થાનમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા કોંગ્રેસ નેતા શરદ યાદવે કહ્યુ હતું કે, વસુંધરાને હવે આરામ આપો, બહુ મોટી થઈ ગઈ છે. પહેલા પાતળી હતી. શરદ યાદવના આ નિવેદન પર વસુંધરા રાજેએ વાંધો ઉઠાવ્યો હતો અને પોતાનુ અપમાન થયુ હોવાનું જણાવ્યુ હતું.
કોંગ્રેસ નેતા નિરુપમનું ઠુમકાવાળા નિવેદનને લઈ મચ્યો હતો હોબાળો
વર્ષ 2012માં એક ટીવી ડિબેટ દરમિયાન કોંગ્રેસના નેતા સંજય નિરુપમે ભાજપ નેતા અને એક સમયની જાણીતી ટીવી કલાકાર સ્મૃતિ ઈરાનીને લઈ ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે, કાલ સુધી આપ પૈસા માટે ઠુમકા લગાવી રહ્યા હતા અને હવે અમને રાજકારણ શિખવવા આવ્યા છો.
કોંગ્રેસના દિગ્વિજયે પાર્ટી નેતાને કહ્યુ હતું “100 ટંચ માલ”
કોંગ્રેસના પૂર્વ મહાસચિવ દિગ્વિજયસિંહના 100 ટંચ માલવાળા નિવેદનને લઈ ભારે હોબાળો મચ્યો હતો. કોંગ્રેસ નેતા દિગ્વિજયે વર્ષ 2013માં મંદસૌરમાં જાહેરસભાને સંબોધતા પોતાની જ પાર્ટીના નેતા મીનાક્ષી નટરાજનને 100 ટંચ માલ કહી દીધુ હતું. જેને લઈ દિગ્વિજયસિંહની આકરી ટીકા થઈ હતી. જોકે, આ નિવેદન બાદ ભારે હોબાળો થતાં ખૂદ મીનાક્ષી નટરાજન દિગ્વિજયસિંહના બચાવમાં ઉતરી ગયા હતા અને તેમણે આ નિવેદન મારી પ્રશંસામાં કહેવામાં આવ્યું હોવાનું જણાવ્યુ હતું.
ખાસ નોંધ – આ તમામ માહિતી વિવિધ સમાચાર પત્રો તેમજ પ્રસારણ થતી ચેનલો પરથી લેવામાં આવી છે.