પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના સંકટ કાળમાં આ પહેલા દેશને કુલ 6 વખત સંબોધિત કરી ચુક્યા છે. ત્યારે વધુ એક વખત પીએમ મોદીએ દેશને સંબોધન કર્યુ હતું. પીએમ મોદીએ ખૂદ ટ્વીટ કરીને દેશવાસીઓને પોતાના સંબોધનની જાણકારી આપી હતી. મંગળવારે સાંજે દેશને સંબોધન કરતા પીએમ મોદીએ દેશવાસીઓને ફરી એકવાર કોરોના અંગે સાવચેત રહેવા જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, યાદ રાખજો, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. એક કઠોર સમયમાંથી પસાર થઈને આપણે બહાર આવી રહ્યા છીએ, પણ નાની સરખી બેદરકારી આપણી ગતિને રોકી શકે છે.
દેશમાં હાલ રિકવરી રેટ અન્ય દેશોની તુલનામાં ઘણો સારો છે, મૃત્યુદર પણ ઓછો છે. પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાના સારા સંશાધનોથી સંપન્ન દેશોની સરખામણીમાં ભારત વધુમાં વધુ પોતાના નાગરીકોના જીવ બચાવવામાં સફળ રહ્યું છે. સાથે જ વડાપ્રધાને દેશવાસીઓને ટકોર કરતા કહ્યું કે, આપણે એ ના ભૂલવું જોઈએ કે લોકડાઉન ભલે ચાલ્યુ ગયું પણ કોરોના વાયરસ હજી નથી ગયો.
કોરોના વિરુદ્ધની લડાઈમાં જનતા કર્ફ્યૂથી લઈને આજ સુધી આપણે બહુ લાંબી યાત્રા કરી છે. જોકે હજી કેટલીક સાવધાની રાખવાની જરુર છે. જેમ કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજીયાત પહેરવુ અને હાથ વારંવાર ધોવા જેવા નિયમોનું પાલન કરતા રહેવુ. મહત્વનું છે કે, પીએમ મોદીએ સૌથી પહેલા 19 માર્ચે દેશને સંબોધિત કર્યો હતો. ત્યારે તેમણે જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી. ત્યારબાદ 24 માર્ચે દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ લૉકડાઉનની જાહેરાત કરી હતી. જેમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે દુનિયાના સૌથી કડક અને લાંબા લૉકડાઉનની શરૂઆત થઈ હતી.