ભારતમાં રસીનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે અને હવે ટૂંક સમયમાં જ ઇન્ટ્રાનાસલ વેકસીનનું ટ્રાયલ પણ શરૂ કરાશે. આ અંગેની માહિતી ખૂદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રેગ્યુલેટરી મંજૂરી મળતા જ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેક કંપની દ્વારા નાક મારફતે અપાતી રસીનું ટ્રાયલ શરૂ કરાશે. હાલ ભારતમાં નેઝલ રસી પર કોઇ ટ્રાયલ ચાલી રહ્યું નથી.
નેઝલ કોરોના વાયરસને લઈને ભારત બાયોટેકે વોશિંગ્ટન યૂનિવર્સિટી અને સેંટ લુઈસ યુનિવર્સિટીની સાથે એક સમજૂતી કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક ટૂંક સમયમાં ભારતમાં તેમના નેઝલ કોરોના વાયરસ રસીના લેટ સ્ટેજ ટ્રાયલ શરૂ કરશે, જેમાં 30,000 થી 40,000 વોલેન્ટિયરનો સમાવેશ થશે.