ગુજરાત રાજ્યની ઓળખસમા ગણાતા અને હિન્દુઓની આસ્થાનું સ્થાન તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા ગાંધીનગર અક્ષરધામ મંદિરના દ્વાર 25 ઓક્ટોબરથી ખુલવા જઈ રહ્યા છે. લગભગ 215 દિવસ બાદ દર્શનાર્થીઓ માટે અક્ષરધામ મંદિર ખુલ્લુ મુકવામાં આવશે. કોરોના મહામારીના કારણે બીએપીએસ અક્ષરધામ મંદિર ખાતે દર્શનાર્થીઓ માટે 19 માર્ચથી દર્શન, આરતી, અભિષેક તેમજ પ્રદર્શની બંધ રાખવામાં આવ્યુ હતું.
જોકે, હવે 7 મહિનાના સમયગાળા બાદ 25 ઓક્ટોબરથી અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. 25 ઓક્ટોબરે દશેરાનો તહેવાર પણ છે, આ દિવસથી સાંજે 5થી 7:30 સુધી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ રહેશે.
જોકે કોરોનાના સંક્રમણને જોતા અક્ષરધામ મંદિરમાં થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઈઝ કર્યા બાદ માસ્ક સાથે જ લોકોને પ્રવેશ આપવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પણ પાલન કરવાનું રહેશે.
મંદિરની સાથે સાથે બુક્સ- ગિફ્ટસ સ્ટોર, ગાર્ડન અને ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવશે. જોકે મંદિર તરફથી હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.