મનુષ્યની રોજીંદી જીંદગીમાં ખાણી-પીણીની સાથે-સાથે તેનો પહેરવેશ અને રહેણી કરણીનો સંબંધ પર્યાવરણ સાથે સીધી રીતે સંબંધિત છે. પર્યાવરણની જાળવણી માટે જે લોકો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે તેમની રહેણી કરણી અને પહેરવેશ પણ અલગ હોય છે. જિન્સનું ચલણ તો વર્ષોથી ચાલી આવ્યું છે. તેમાંય જિન્સ ટી-શર્ટ નવયુવાનોની પહેલી પસંદ હોય છે.
એવું કહેવાય છે કે, જો જિન્સ ન પહેરો તો સારું અને જો પહેરો તો બહુ જ ઓછા ધુઓ. આમ એટલા માટે કહેવામાં આવે છે કે જીન્સના સૂક્ષ્મ પાર્ટીકલ દ્વારા પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. એક નવા રિસર્ચમાં આ અંગેની વાત સામે આવી છે. જેમાં જણાવ્યા મુજબ, આપણે જ્યારે જિન્સ ધોઈએ છીએ ત્યારે સૂક્ષ્મ કણ જિન્સમાંથી નીકળે છે અને પાણી સાથે વહી જાય છે.
રિસર્ચમાં એ પણ ચિંતા વ્યક્ત કરાઈ છે કે, આ વાઈલ્ડલાઈફ અને પર્યાવરણ માટે નુકસાનદેહ બની શકે છે. જિન્સમાં કેમિકલનો ઉપયોગ થાય છે, તેમાં માઈક્રોફાઈબર પણ હોય છે. દર વખતે જિન્સ ધોવાની સાથે રેશેનુમા માઈક્રોફાઈબર નીકળે છે અને પાણીની સાથે નદીમાં ભળી જાય છે અને પ્રદૂષણનું કારણ બની જાય છે.
એવી પણ વિગત સામે આવી છે કે, જીન્સ માટે સિન્થેટિક ડાયનો ઉપયોગ કરવામાં આવે છે. સિન્થેટિક પ્રાકૃતિક પદાર્થ નથી તેમજ જીન્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતા કેટલાક પદાર્થ તો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.